+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
15 Feb 2013
મારી યાત્રાનાં સ્મરણો

લિ. અશોક બી. મહેતા

આ વર્ષે આપણા સમાજ તરફથી એક સુંદર મજાના યાત્રા પ્રવાસનું આયોજન કર્યું હતું. તેમાં યાત્રાએ આવેલા સભ્ય ભાઈ બહેનોએ સ્નેહભર્યો સુંદર સહકાર આપ્યો હતો.

તા.4-1-13.શુક્રવારની સાંજે સુરત સ્ટેશનેથી 7.20ની રાણકપુર એક્ષપ્રેસમાં જવાનું હોઈ તેથી સૌએ સ્ટેશને સમયસર હાજર થઈને સમયબદ્ધતાને માન આપ્યું હતું. સૌનો આનંદ ઉત્સાહ અનેરો હતો, ટ્રેનમાં ભોજન તથા ટોયલેટ કીટ અને નાસ્તાના પેકેટો આપવામાં આવ્યાં હતાં. વોલીયન્ટર ભાઈઓ તેમજ  ટીમ કેપ્ટનોના સુંદર વ્યવસ્થિત આયોજનથી કોઈપણ સભ્યને જરા સરખી તકલીફ પડી ન હતી.


તા.5-1-13 શનિવારે વહેલી પરોઢે 5.30 વાગે સિરોહી સ્ટેશને કડકડતી ઠંડીમાં ઉતર્યા. સ્ટેશન બહાર ચા-કોફીની સગવડ કરી હતી. ચા-કોફીને ન્યાય આપીને સૌ પૂર્વ આયોજિત કરેલી બસોમાં સ્થાન લઈને બે કલાકની સફર બાદ ભીનમાલ તીર્થે પહોંચ્યા. ત્યાં સૌને નંબર પ્રમાણે રૂમો મળી હતી, ત્યાર બાદ નવકારશી વાપરીને સૌ ભાવપૂર્વક સેવાપૂજાના કાર્યમાં લાગી ગયા, ભીનમાલ તીર્થના દહેરાસરની ભવ્યતા અનેરી છે. તે ખૂબ જ આકર્ષક અને સુંદર છે. એક ધર્મભાવનાવાળા શ્રાવકના દૃઢ સંકલ્પનું આ પરિણામ છે. જે સુંદર જીનાલયમાં પરિણમ્યું છે. દહેરાસરમાં મૂળનાયકશ્રી લક્ષ્મીવલ્લભ પાશ્વૅનાથજી પ્રભુની પ્રતિમા દેદીપ્યમાન છે. જીનાલયની ફરતે વર્તમાન ચોવિસી, અતીત ચોવિસી, ને આવતી ચોવીસીની પ્રતિમાજીઓ બિરાજમાન છે.રાત્રીના સમયે દહેરાસરની ભવ્યતા ખૂબ જ  સરસ લાગે છે. તીર્થમાં ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા સગવડપૂર્ણ છે. ધર્મશાળાથી દહેરાસર આવવા જવા માટે કબ કારની વ્યવસ્થા ઘણી સરસ છે જે વૃદ્ધો, બાળકો તેમજ અશક્તો માટે ઘણી ઉપયોગી થઈ પડે છે. આપણા સંઘે પણ તેનો લાભ લીધો હતો.

બપોરના ભોજન બાદ આપણો સંઘ શ્રી સુન્ધાજી જવા રવાના થયો. સુન્ધાજી માતાનું મંદિર અરવલ્લી પર્વતમાળાની એક સુંદર મજાની ખીણમાં પ્રકૃતિની ગોદમાં પર્વતની ગુફામાં આવેલું છે. સુંદર મંદિરનાં દર્શન કરીને અમોએ ધન્યતા અનુભવી. પર્વતોની વચ્ચે પ્રકૃતિના ખોળે અમારા બે કલાક ક્યાં પસાર થયા તેની ખબર ન પડી. તળેટીથી ઉપર મંદિર જવા માટે રોપ વે ની સગવડ ઘણી સરસ છે. વિરામ બાદ સૌ નીચે તળેટીમાં આવ્યા ને સૌએ ફોટોગ્રાફીનો આનંદ મન ભરીને માણ્યો. ત્યાર બાદ પાલનપુરથી આવેલ કેટરીંગવાળાએ ભોજન તૈયાર કર્યું એટલે સૂર્યાસ્ત પહેલાં જ સૌએ ભોજન કરી લીધું હતું. ભોજન સાદું ને સ્વાદિષ્ટ હતું. તેમાં પાલનપુરી સ્વાદ વર્તાતો હતો. ભોજન બાદ અમો ભીનમાલ પરત આવીને સીધા દેહરાસર ભાવના ભક્તિમાં જોડાઈ ગયા. ભક્તિગીતો ને સ્તવનોની રમઝટ જામી હતી. ભાવના બાદ સમાજ તરફથી સંઘ પૂજન કરવામાં આવ્યુ હતું. પ્રમુખ શ્રી કુશકભાઈએ સ્વાગત પ્રવચન કર્યું અને અજીતભાઈ કોઠારીએ આભાર વિધિ કરી હતી.


તા.6-1-13 રવિવાર

વહેલી સવારે 6.00 વાગે સૌ સમયસર બસમાં આવી ગયા હતા. 6.00 વાગે અમો જિરાવલા માટે પ્રસ્થાન કર્યું. ભીનમાલ શહેરની બહાર એક પાંચ માળના કીર્તિસ્તંભવાળા દહેરાસરમાં દર્શન કરીને જિરાવલા જવા રવાના થયા, આખા રસ્તે દરેક બસમાં ગીત સંગીત તેમજ અંતાક્ષરીનો દોર અવિરત ચાલતો હતો. સમય ક્યાં પસાર થયો તેની ખબર જ ન પડી.8.30 વાગે જિરાવલા તીર્થે પહોંચ્યા. સૌ પ્રથમ જિરાવલા પાશ્વૅનાથજીનાં ભાવપૂર્વક દર્શન કર્યાં, કેટલાક ભાવિકોએ પૂજાનો લાભ લીધો હતો. પણ નવકારશીનો લાભ સૌએ દિલથી લીધો હતો. કારણ કે ઠંડીમાં ગરમાગરમ ને તાજા નાસ્તામાં શીરો, ગાંઠિયા, પુરી, મગ, ખાખરા, ચા, દૂધ વગેરે પીરસાયા હતા. નવકારશી બાદ અમોને પ્રકૃતિએ સાદ દીધો કે હે નિસર્ગ પ્રેમીઓ ! આવો, મારા સાનિધ્યમાં એટલે સંઘે સાક્ષાત પ્રકૃતિને મળવા માઉન્ટઆબુ તરફ પ્રયાણ આદર્યું. વાંકાચૂકા રસ્તાઓ પર અમારી બસો સરકતી હતી. આજુબાજુ વનરાજીઓ સમૃદ્ધ પર્વતો, જંગલો ખીણોનું સૌંદર્ય અમોને લોભાવતું હતું. જેમ જેમ ઉપર ચડતા ગયા તેમ તેમ કલકલ વહેતા મસ્તીખોર ઝરણાં અને પર્વતોના કાનમાં અમારા આગમનની ખબર આપતાં વાદળો નીલ ગગનની શોભા વધારતા ને રસ્તાની આજુબાજુ પ્રકૃતિના લાડકવાયા (કપિરાજો)અમોને એમની રીતે આવકારતા હતા. દૂર પર્વતની ટોચે અચલગઢ તેમજ ગુરૃશિખરના મંદિરો દ્શ્યમાન થતા હતા. પ્રકૃતિનું રસપાન કરતાં કરતાં આખરે માઉન્ટ આબુ આવી ગયા. માઉન્ટ આબુમાં સૌપ્રથમ દેલવાડાના દહેરાસરનાં દર્શન કર્યાં, ત્યારબાદ ભોજન માટે આબુમાં આવેલા સરસ્વતી ડાઈનીંગ હોલ ગયા. ત્યાં વારાફરતી શાંતિથી સર્વેએ ગુજરાતી જમણનો આનંદ માણ્યો, ભોજન બાદ સૌ પોતાની રીતે શોપિંગ તેમજ ફરવાનો ને સાઈટસીનનો મન ભરી આનંદ લઈને સાંજે 5.30 વાગે સૌ બસોમાં આવી ગયા ને 6.00 વાગે આબુરોડ જવા માટે રવાના થયા. સાંજે 7.15એ આબુરોડ સ્ટેશને આવી ગયા. બસમાંથી સૌ સામાન સહિત પ્લેટફોર્મે પહોંચ્યા. ત્યાં સાંજના ભોજન માટે લંચબોક્સની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. 8.20 ટ્રેન આવી ને સૌ કોચ પ્રમાણે પોતાની સીટો લઈને આરામથી બેસી ગયા ને અમોને લઈને ગાડી સુરત ભણી દોડવા લાગી. રસ્તામાં કોઈપણ જાતની તકલીફ વગર સુખશાંતિથી સવારે 5.00 વાગે સુરત સ્ટેશને ઉતર્યા ને સુખદ સ્મરણોને સાથે લઈને સૌને જય જિનેન્દ્ર કહીને છૂટા પડ્યા.

સંઘ ભાવના જેવી કોઈ ભાવનાથી સુંદર સહકાર બદલ કમીટી આપ સૌની આભારી છે.....

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close