+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
29 Nov 2012
વેરનું નિરસન; મૈત્રીનું પ્રસ્થાપન !

- દેવીલા શશીકાન્ત શાહ

આપણું જ્ઞાન તરણા ઓથે ડુંગર સમાન છે. પ્રભુની વાણી ગુરુમુખે ઝીલીને અહમના વિસર્જન પછી જ આત્મજ્ઞાન પ્રગટે છે. એક તરણું હટતાં જ્ઞાનનો સૂર્ય ઝળહળે છે. અધ્યાત્મ વિશ્વમાં આત્મ સ્વરૂપનું જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે. આત્મા અગાધ શક્તિઓથી ભરપૂર છે. એમાં નિઃશંક શ્રદ્ધા રાખીને આપણે આપણો માર્ગ કંડારવાનો છે. ચૈતન્ય એ સર્વ જીવનું લક્ષણ છે. એ આવૃત્ત થઈ શકે છે પણ શક્તિરૂપે સર્વથા અકબંધ રહે છે. સાધકોનો પ્રયત્ન એ શક્તિને ઉજાગર કરવાનો છે. પર્વાધિરાજ પર્યુષણ એ સુષુપ્ત શક્તિને પ્રગટાવવાનો મહામૂલો અવસર છે.

 
વર્ષાની ભીની ભીની મોસમમાં સૂકી ધરતીની તૃષા છિપાવવા આભ વર્ષે છે. જીવોત્પત્તિ થવાની શક્યતા અને પ્રમાણ વિપુલ માત્રામાં સંભવે છે. સર્વજીવો પ્રત્યે દયાનો સુકોમળ ભાવ પણ એની પરાકાષ્ટાએ પહોંચે છે. આઠ આઠ માસ વિચરતા ગુરુભગવંતો પણ આ ચાર માસ એક સ્થળે ઠરીઠામ થાય છે. શ્રાવક-શ્રાવિકાઓ માટે સતત ચાર માસ વિશિષ્ટ ગ્રંથોનું ગુરુમુખે વહેતી વાણીનું શ્રવણ-અધ્યયન કરવાની અનેરી તક છે. પર્યુષણ ચારે બાજુ પ્રસરેલા અસ્તિત્વને ''સ્વ''માં સ્થાપિત કરવાનું પર્વ છે. મૈત્રી ભાવનાના એક પછી એક સોપાન સર કરીને એના સર્વોચ્ચ શિખરે બિરાજવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાનું પર્વ છે. આત્મતત્વની પિછાણ કરીને એમાં ગરકાવ થવાનું પર્વ છે. માનસપટ પર પ્રસરેલા વેરના વિષના બુંદને વમી દેવાનું પર્વ છે. આ પ્રેમના અમૃતનું આકંઠ પાન કરીને મૈત્રીની ચાર ભાવનામાં તરબોળ થવાનું પર્વ છે.
 
જૈન ધર્મનું લક્ષ્ય આત્માના શુદ્ધિકરણનું છે. સવાર સાંજ – પાક્ષિક તિથિએ- ચૌમાસીએ અને સાંવત્સરિક પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિકરણ પણ વિશેષ વિશેષ પ્રયત્ન કરીને દોષો દૂર કરવાની સાધના છે.
સંપૂર્ણ વિશુદ્ધ પ્રાપ્ત કરવી એ જ એકમાત્ર લક્ષ્ય હોય છે.
 
જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. શુભ વિચારનો અનરાધાર વરસાદ વરસે છે. જીવનબીજની કુંપળ પનપે (ફૂટે) છે. અંતરમાં વિચાર સંસ્કારિત થાય છે. જે અંતઃસ્થળ પ્રત્યે સ્વાભાવિક પ્રસરે છે. આ પ્રક્રિયા જ અંતિમ ફળ- મોક્ષ આપવા સમર્થ છે.
 
વાણીની શોભા દેવગુરુની ભક્તિથી છે.
ભક્તિની શોભા સ્વ પરના બોધમાં છે.
બોધની શોભા સમતા-ક્ષમા અને શાંતિમાં છે.
 
વચનમાં મૃદુતા- હૃદયમાં ઋજુતા – નયને માધુર્ય- સ્વભાવમાં ગુણ પ્રત્યે અનુરાગ. ક્ષમાનું પરિમાણ ક્રમશઃ એવું વિશાળ અને નિર્મળ બને કે મરણાંત કષ્ટ આપનાર જીવ પ્રત્યે પણ લેશમાત્ર ક્રોધ ન ઉદભવે. સર્વથા ક્ષમાનો ધોધ સતત વહ્યા જ કરે. ક્રોધથી સતત ધમધમતા ચંડકૌશિક નાગ પર પ્રભુએ ક્ષમા રૂપે માધુર્યની ધારા વહાવી. માધુર્યના સ્વામી પાસે માધુર્ય સિવાય બીજું હોઈ પણ શું શકે? પ્રભુના શબ્દો પ્રગટ્યા "બુઝ! બુઝ!" ભાવથી ભાવનું સર્જન થયું. એને પ્રભુના શબ્દોનો પરમાર્થ સમજાયો. ક્ષમા પ્રથમ સ્તવાય, પછી ક્ષમાથી ભીંજાઈ જવાય. ક્ષમાની માન્યતા અંતરમાં સ્થિર થાય અને અંતે ક્ષમાનો સાક્ષાત્કાર થાય.
 
પ્રભુની વાણીના પ્રભાવથી યોગ્ય આત્મા સમકિત દૃષ્ટિ બને છે. સિદ્ધ પરમાત્માને શિર ઉપર ધારણ કરીને એ ઉચ્ચ મનોદશામાં મહાલે છે. એની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવે છે. (૧) સુખમાં દુઃખનાં દર્શન કરે છે. (૨) દુઃખને સમભાવે સહન કરે છે ને કર્મ નિર્જરા કરે છે.(૩) પ્રત્યેક સાંસારિક પ્રવૃત્તિમાં વિરાધનાનાં દર્શન કરે છે. (૪) પ્રત્યેક જીવ માત્રમાં આત્માનાં દર્શન કરે છે. (૫) સમ્યકદૃષ્ટિ આત્માના હૃદયકમળના સિંહાસનમાં આ સહજ તત્વ નિરંતર બિરાજમાન છે.
 
સાધકનું હૃદય સતત જીવદયાના ભાવથી ભીંજાતું રહે છે. એ પરિણામ અવિરામપણે ઘુંટાતું રહે છે. ત્યારે જીવ માત્ર પ્રત્યે મૈત્રી સ્વરૂપે પ્રગટ થાય છે. મૈત્રીનો એ ભાવ સર્વકાંઠા ભેદીને વહે છે. આ ભાવ જ જીવને દીર્ઘકાળ સુધી ભીનો ભીનો રાખે છે.જગતમાં વિભિન્ન પ્રકારના જીવો છે. એટલે આ ધારા જીવના દ્રવ્ય પ્રમાણે ભિન્ન ભિન્ન રીતે પ્રગટે છે. મૈત્રીનો સર્વોચ્ચ ભાવ ગંગા-જમના- સરસ્વતી રૂપે જીવમાત્ર પ્રત્યે વહે છે.
 
ગુણીજનો! સામાન્ય જીવોમાં પણ વિશિષ્ટ પ્રકારના ગુણો સંભવે છે. સૌ ગુણીજન પ્રત્યે પ્રમોદની ધારા વહે છે. ગુણીજનોના ગુણો પ્રત્યે અહોભાવ એજ ગુણી થવા પ્રત્યે પગલું માંડ્યું. એ ભાવ પૂર્ણ બને અને ગુણો આપણામાં પ્રવેશી જાય.
 
જગતના કોઈ પાપી કે દુઃખી પ્રત્યે કરુણા- અનુકંપા વહેવડાવતાં આવડી જાય તો તે જીવ પાપને પુણ્યમાં અને દુઃખને સુખમાં પલટાવવાની ક્ષમતા ધરાવે છે. અને સન્માર્ગમાં પુનઃ સ્થાપિત થઈ જાય છે. કરુણાનો ઝરો હૃદયમાં વહેવો જોઈએ.
 
કેટલાક જીવોને પ્રભુની વાણીનો સ્પર્શ થયો નથી. સ્વહિત પારખી શકતા નથી- સાચું સુખ બતાડનારની અવગણના કરે છે કોઈવાર પુરુષાર્થ કર્યા વિના અટક્યો છે, સ્વાર્થમાં રચ્યોપચ્યો રહ્યો – જ્ઞાની અમૃત સીંચે તો પણ વિષમાં પરિવર્તિત થાય. કર્મને આધીન જીવ સન્માર્ગ પર ચડે નહિ તે જીવ ઉપેક્ષા પાત્ર છે. તિરસ્કાર ન થાય. યોગ્ય સમયે માર્ગમાં આવશે તેવો મધ્યસ્થ ભાવ હિતાવહ છે.
મૈત્રી- જીવતત્વની ઓળખ કરો- તેના શુદ્ધસ્વરૂપને જાણો પછી તેનો ક્રોધ ન અડે.
પ્રમોદ – ગુણ ઓળખ છે. દ્વેષ ન જ કરાય.
કરુણા- દોષ ઓળખાયો – જીવ ઓળખાયો- કરુણા સહજ થાય.
મધ્યસ્થ – સમભાવ છે. ન રાગ ન દ્વેષ – આમ જ હોય.
પ્રવૃત્તિ ધર્મ દ્વારા થાય છે અને પરિણતિ સાધુધર્મના પરિભાવનથી થાય છે. આ ભાવના ભાવતાં યોગ્ય સમયે સર્વજીવહિતાશયનું પરિણામ પ્રગટે છે. આ ભાવ જ મૈત્રી છે. આ ભાવનામાં
(૧) વાણીમાંથી વાત્સલ્ય નિતરતું રહે છે.
(૨) મુખાકૃતિમાં સમતાની હળવાશ પ્રગટે છે.
(૩) કાયાના હલનચલનમાં સર્વ જીવોના પ્રાણની સુરક્ષા અર્થે અહિંસાના સુકોમળ ભાવ પ્રગટે છે.
(૪) ઉપયોગમાં કશાયની પરિણિતનો અભાવ પ્રવર્તે છે.
મૈત્રીના પરિણામમાં કાળનો પ્રતિબંધ સંભવી ન શકે. મૈત્રી ન હોય તો અરુચિ અને આવેશ આવી જાય છે. આવું બને ત્યારે પરદયા તો ન સંભવે, સ્વદયા પણ ચૂકી જવાય છે. મૈત્રીનો ભાવ સતત સમાન ભાવે વહેતો રહે, તે માટે સાધકે સતત જાગૃત રહેવું પડે.
સર્વ જીવો તણી હું યાચું છું ક્ષમા,
સર્વ જીવો આપોને મુજને ક્ષમા,
કોઈથી કદિએ ના હો મારે શત્રુતા
સર્વથી સદાયે મારે હો મિત્રતા.

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close