લતાબેન રજનીભાઈ મહેતા લિખિત પુસ્તક, " જીવન ની સમી સાંજે ", એક સરસ મજાનું, સરળ,અને બહુજ આસાની સાથે સમજાઇ જાય, ગમી જાય એવા અને જીવનમાં સમાવેશ કરી લેવા જેવા અનુભવો નો નિચોડ છે !
ખુબજ કાળજીપૂર્વક, ધીરજ સાથે, સંશોધન કરી અને અનુભવો ને શબ્દરચના માં પરિવર્તિત કર્યા છે. એવા અનેક મોતીઓ ને એક એક કરી હારમાળામાં પરોવી વાંચકો સમક્ષ તેની શૃંખલા પ્રસ્તુત કરી છે.
કુદરત,સારું-નરસું,દુ:ખ-સુખ,સમાજસેવા,પુણ્ય-પાપ ના તોલ મોલ ને સ્પષ્ટતા સહીત આલેખી છે.જીવન મૃત્યુ, બાળક-જવાન-વૃદ્ધ અવસ્થા, જવાબદારી, અભિપ્રાયો, ઇચ્છાઓ, આનંદની ક્ષણો, સારા પ્રસંગોની યાદગાર ઝલકો વાચકોના મનની ફૂલવાડીમાં સુવાસ ફેલાવી દે છે.
સાંસારિક રસમો અને ઘરેલું પરિસ્થિતિમાં હળી રહી, અજમાવેલા રચનાત્મકભર્યો પ્રયાસ ખુબજ દાદ માંગી લે છે. જીવનના અનેક પહેલુંમાંથી પસાર પણ થતા રહેવું અને તેને મનમાં ટાંકી રાખી અને વાગોળતા વાગોળતા વાચકોને પુસ્તકરૂપે નઝરાણું આપ્યું છે.
જ્ઞાન, નિરીક્ષણ શક્તિ, અવલોકન શક્તિ અને અનુભવ સાથે ના સૂચનો કદર માંગી લે છે!
લખાણ ખુબજ સંક્ષિપ્ત અને ટૂંકાણમાં છે પણ લેખકે વિષયની સચોટતા મધ્યબિંદુએ સાલસતા સાથે સાચવીને કંડારી છે જે વાચકો ના હૃદય સોંસરવી ઉતરી જાય છે!
માત્ર 36 પાનાં અને કોઈપણ ઉંમરના વાંચી શકે એવા સંદેશ-બોધ આપે છે. અલ્પમાં, સંસાર ના સુખની ચાવી આપે છે, લતાબેન !